કોયલ બેઠી આંબલિયાની ડાળ
(સાંજીનું ગીત)
કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે
હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ
કોયલ માંગે કડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલને ઉડાડો આપણે દેશ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે ચૂડલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે ઝૂમખાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે નથડીની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
કોયલ માંગે હારલાંની જોડ, મોરલિયો માંગે રે લાડણ લાડલી
રાય કરમલડી રે
(જાન પ્રસ્થાન)
મારા ખેતરને શેઢડે રાય કરમલડી રે
ફાલી છે લચકાલોળ રાય કરમલડી રે
વાળો જીગરભાઈ ડાળખી રાય કરમલડી રે
વીણો અમીવહુ ફૂલડાં રાય કરમલડી રે
વીણીચૂંટીને ગોરીએ છાબ ભરી રાય કરમલડી રે
તેનો ગૂંથે માલણ મોડિયો રાય કરમલડી રે
મોડિયો અમીવહુને માથડે રાય કરમલડી રે
તેનો ગૂંથે માલણ છોગલો રાય કરમલડી રે
છોગલો દેખી રાણી રવે ચડ્યાં રાય કરમલડી રે
પરણું તો જીગરભાઈ મોભીને રાય કરમલડી રે
વાણલાં ભલે વાયાં
(પ્રભાતિયું)
સૂરજ ઊગ્યો રે કેવડિયાંની ફણસે કે વાણલાં ભલે વાયાં રે
સૂતા જાગો રે વાસુદેવના નંદ કે વાણલાં ભલે વાયાં રે
સૂતા જાગો રે સુભદ્રા બેનીના વીર કે વાણલાં
ભલે વાયાં રે
તમે જાગો રે જાગે સહુ દેવ કે વાણલાં ભલે વાયાં રે
લેજો લેજો રે દાતણ ને ઝારી કે વાણલાં ભલે વાયાં રે
બેસજો બેસજો તુલસીને ક્યારે કે વાણલાં ભલે વાયાં રે
મુખ લૂજો રે પામરિયુંને છેડે કે વાણલાં ભલે વાયાં રે
લેજો લેજો શરી રામનાં નામ કે વાણલાં ભલે વાયાં રે
અમે ઈડરિયો ગઢ જીત્યાં
(નવવધુ આગમન)
આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં
આજ મારે માડીના જીગરભાઈ પરણ્યા રે આનંદભર્યાં
આજ મારે પરણીને જીગરભાઈ પધાર્યા રે
આનંદભર્યાં
આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યાં રે
આનંદભર્યાં
આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યાં રે આનંદભર્યાં
આજ અમે લાખેણી લાડી લઈ આવ્યાં રે આનંદભર્યાં
આજ અમારે હૈયે હરખ ન માય આવ્યાં રે
આનંદભર્યાં
આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં
એક ઊંચો તે વર ના જોશો રે દાદા
(સાંજીનું ગીત)
એક તે રાજને દ્વારે રમંતા બેનીબા, દાદે તે હસીને બોલાવિયાં
કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી, આંખલડી રે જળે તે ભરી
નથી નથી દાદા મારી દેહ જ દુબળી, નથી રે આંખલડી જળે ભરી
એક ઊંચો તે વર ના જોશો રે દાદા, ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે
એક નીચો તે વર ના જોશો રે દાદા, નીચો તો નિત્ય ઠેબે આવશે
એક ધોળો તે વર ના જોશો રે દાદા, ધોળો તે આપ વખાણશે
એક કાળો તે વર ના જોશો રે દાદા, કાળો તે કુટુમ્બ લજાવશે
એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો
તે મારી સૈયરે વખાણિયો
એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો
ભલો તે વખાણ્યો મારી ભાભીએ
પરણ્યાં એટલે પ્યારા લાડી
(નવવધુને આવકાર)
પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારા દાદા પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે
પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારી માડી પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે
પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઊભા રહો તો માંગુ મારા વીરા પાસે શીખ રે
હવે કેવી શીખ રે લાડી હવે કેવા બોલ રે
પરણ્યાં એટલે પ્યારા લાડી ચાલો આપણા ઘેર રે
ઢોલીડાં ધડૂક્યાં રે લાડી ચડી બેસો ગાડે રે
મોતી નીપજે રે
(વરપક્ષે માળારોપણ)
લાંબી તે લાંબી સરોવરિયાની પાળ
આ-હે એ પાળે તે મોતી નીપજે રે
મોતી તે લાગ્યું જીગરભાઈ વરને હાથ
આ-હે ઘેરે રે આવીને ઝગડો માંડિયો
દાદા તે મોરા મુજને પરણાવો
આ-હે મુજને પરણ્યાંની દાદા હોંશ ઘણી
ખરચું તો ખરચું લાખ શું બે લાખ
આ-હે મોભીને પરણાવું ઘણી હોંશથી
અણવર અવગતિયા
(માંડવામાં ગાવાનું ફટાણું)
તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા
તારા પેટડાંમાં દુખશે રે અણવર અવગતિયા
તને ઓસડ ચીંધાડે રે કનુભાઈ પાતળિયા
સાત લસણની કળી માંહે હીંગની કણી
અજમો મેલજે જરી ઉપર આદુની ચીરી
તું ઝટપટ ખાજે રે અણવર અવગતિયા
તું થોડું થોડું જમજે રે અણવર અવગતિયા
તારા પેટડાંમાં દુખશે રે અણવર અવગતિયા
ઢોલ ઢમક્યાં ને
(હસ્તમેળાપ સમયે વરપક્ષે ગવાતું ગીત)
ઢોલ ઢમક્યાં ને વરવહુના હાથ મળ્યાં
વાજા વાગ્યાં ને વરવહુના હાથ મળ્યાં
હૈયાં હરખ્યાં ને વરવહુના હાથ મળ્યાં
પ્રેમે નીરખ્યાં ને વરવહુના હાથ મળ્યાં
જાણે ઈશ્વર ને પારવતી સાથ મળ્યાં
ઢોલ ઢમક્યાં ને વરવહુના હાથ મળ્યાં
જેમ નદી ને સરવરના જળ મળ્યાં એમ વર ને
કન્યાના હાથ મળ્યાં
જેમ દૂધમાં જાય સાકર ભળી એમ વર ને કન્યાની જોડ મળી
જેમ શોભે લહેરો સાગરમાં એમ શોભે વર-કન્યા માયરામાં
જેમ ઈન્દ્ર-ઈન્દ્રાણીની જોડ ઠરી એમ વર ને કન્યાની જોડ મળી
મારી બેનીની વાત ન પૂછો
(માંડવામાં ગાવાનું ફટાણું)
મારી બેનીની વાત ન પૂછો, મારી બેની બહુ શાણી રે
એના ગોરા મુખડા આગળ ચંદરમા પણ કાળા રે
તારી બેનીની શું વાત કરું હું કહેવામાં કંઈ માલ નથી
બાંધી મૂઠી લાખની વેવાણ ખોલવામાં કંઈ સાર નથી
મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો છે
ભણેલ ગણેલ ઠરેલ બેની ઉજાળે ઘરનું નામ જી
તારી બેનીના ઉપલા માળે નહિ અકલનું નામ જી
મારી બેનીની વાત ન પૂછો, મારો બેની બહુ શાણી છે
મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો છે
મારા વીરાનો કંઠ બુલંદી, સૂણતાં ભાન ભૂલાવે જી
તારા વીરાનો સૂર સાંભળતાં ભેંસ ભડકીને ભાગે જી
મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો રે
મારી બેનીની વાત ન પૂછો, મારો બેની બહુ શાણી રે
મારી બેનીના ફોટા જાણે, ગુલાબ કેરા ગોટા જી
તારી બેનીના ફોટા જાણે, ધુમાડાના ગોટા જી
મારી બેનીની વાત ન પૂછો, મારો બેની બહુ શાણી છે
મારા વીરાની વાત ન પૂછો, મારો વીરો બહુ શાણો રે
લાડો લાડી જમે રે કંસાર
(કંસાર)
લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડી મુખે લજ્જા કેરો ભાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
વાતે વાતે હસે છે લગાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડી તો સતી સીતા નાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડો રાજા રામનો અવતાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે
વેવાયું તો વટના રે પાન કે કંસાર કેવો ગળ્યો લાગે રે
વેવાણુંને હરખ અપાર કે કંસાર કેવો ગળ્યો લાગે રે
લાડીની ભાભી ટળવળે કે કંસાર કેવો ગળ્યો લાગે રે
નણદી મુજને આંગલડી ચટાડ કંસાર કેવો ગળ્યો લાગે રે
ભાભી તું તો પરણી કે કુંવારી કંસાર ગળ્યો ગળ્યો લાગે રે
લાડો લાડી જમે રે કંસાર, કંસાર ગળ્યો ગળ્યો લાગે રે
પરદેશી પોપટો
(કન્યા વિદાય)
એક આવ્યો'તો પરદેશી પોપટો
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
એક આવ્યો'તો પરદેશી પોપટો
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેને મેલ્યાં ઢીંગલા ને મેલ્યાં પોતિયાં
બેને મેલ્યો સૈયરુંનો સાથ કે ધુતારો ધૂતી ગયો
એક આવ્યો'તો પરદેશી પોપટો
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેની જમતા'તાં ને મેલ્યાં કોળિયા
બેનીએ પકડી સાસરવાટ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
મારી સારી સૈયર ચાલી સાસરે
વાંસે રડતા મેલ્યાં એના ભ્રાત રે
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
એક આવ્યો'તો પરદેશી પોપટો
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
બેની રમતા'તાં માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો
ભાદર ગાજે છે
(સાંજીમાં ગવાતું ફટાણું)
આવી આવી ભાદરવાની રેલ કે ભાદર ગાજે છે
એમાં મનુ તણાતો જાય કે ભાદર ગાજે છે
નાખો નાખો કનુભાઈ દોર કે ભાદર ગાજે છે
તાણો તાણો તો તૂટી જાય કે ભાદર ગાજે છે
આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને
એને નાકે ઓલી નથડી પહેરાવો પછી મનુને રમવા મેલોને
એને ઘમઘમતો ઘાઘરો ઘાલો રે પછી મનુને રમવા મેલોને
એને તગતગતું કાપડું ચડાવો રે પછી મનુને રમવા મેલોને
આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે એમાં મનુને રમવા મેલોને
કંકુ છાંટી કંકોતરી મોકલો
(લગન લખતી વખતે ગવાતું ગીત)
કંકુ છાંટી કંકોતરી મોકલો
એમાં લખજો અમીબેનનાં નામ રે લગન આવ્યાં ઢૂંકડાં
બેનના દાદા આવ્યા ને દાદી આવશે
બેનના માતાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાંબેનના કાકા આવ્યા
ને કાકી આવશે
બેનના ફૈબાનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં
બેનના મામા આવ્યા ને મામી આવશે
બેનના માસીબાનો હરખ ન માય રે લગન આવ્યાં
ઢૂંકડાં
બેનના વીરા આવ્યા ને ભાભી આવશે
બેનની બેનીનો હરખ ન માય રે લગન આવ્યાં ઢૂંકડાં
મોટા માંડવડા રોપાવો
(મંડપ મૂરત)
મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ
વીરના દાદાને તેડાવો, વીરની માતાને તેડાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હોંશો મોભી પરણાવો માણારાજ
મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ
માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ
વીરના વીરાને તેડાવો, વીરની ભાભીને તેડાવો માણારાજ
હોંશે બાંધવ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ
વીરના મામાને તેડાવો, વીરની મામીને તેડાવો માણારાજ
હોંશે ભાણેજ પરણાવો માણારાજ
માણેકથંભ મોતીડે વધાવો માણારાજ
હરખે માંડવડો વધાવો માણારાજ
ચાલોને આપણે ઘેર રે
(વિદાય પ્રસંગે વરપક્ષે ગવાતું ગીત)
ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે
ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે
મહિયરની મમતા મૂકોને, મહિયરની મમતા મૂકોને
ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે
બાપુની માયા તો તમે મૂકોને, બાપુની માયા તો તમે મૂકોને
સસરાની હવેલી બતાવું રે, સસરાની હવેલી બતાવું રે
ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે
માડીની માયા તો તમે મૂકોને, માડીની માયા તો તમે મૂકોને
સાસુજીના હેત બતાવું રે, સાસુજીના હેત બતાવું રે
ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે
ભાંડુની માયા તો તમે મૂકોને, ભાંડુની માયા તો તમે મૂકોને
બતાવું દીયર ને નણંદને, બતાવું દીયર ને નણંદને
ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે
સૈયરનો સ્નેહ તો તમે મૂકોને, સૈયરનો સ્નેહ તો તમે મૂકોને
દેખાડું હું પ્રીત તારા કંથની, દેખાડું હું પ્રીત તારા કંથની
ચાલોને આપણે ઘેર રે, ચાલોને આપણે ઘેર રે
ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે
ચાલો લાડીલી તમે આપણે તો ઘેર રે
વરને પરવટ વાળો
(ફુલેકાનું ગીત)
મદભર્યો હાથી ને લાલ અંબાડી
ચડે માડીનો જાયો બારહજારી રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો
વરની પરવટડીમાં પાન સોપારી
ચાવે માડીનો જાયો બારહજારી રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો
વરના બાપુજી બાબુભાઈ ઓરેરા આવો
ઓરેરા આવી વરના મનડાં મનાવો રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો
પરથમી બધી વરના પગ હેઠળ બિરાજે
નવખંડ ધરતીમાં વરરાજો પોરસાઈ ચાલે રાજ
કેસરના ભીના વરને પરવટ વાળો
વધાવો રે આવિયો
(ચાક વધાવવાનું ગીત)
ધરતીમાં બલિહારી બે જણાં, એક ધરતી બીજો આભ
વધાવો રે આવિયો
આભે મેહુલા વરસાવિયા, ધરતીએ ઝીલ્યાં છે ભાર
વધાવો રે આવિયો
ધરતીમાં બલિહારી બે જણાં, એક ઘોડી બીજી ગાય
વધાવો રે આવિયો
ગાયનો જાયો રે હળે જૂત્યો, ઘોડીનો જાયો પરદેશ
વધાવો રે આવિયો
ધરતીમાં બલિહારી બે જણાં, એક સાસુ ને બીજી માત
વધાવો રે આવિયો
માતાએ જનમ આપિયો, સાસુએ આપ્યો ભરથાર
વધાવો રે આવિયો
ધરતીમાં બલિહારી બે જણાં, એક સસરો બીજો બાપ
વધાવો રે આવિયો
બાપે તે લાડ લડાવિયા, સસરાએ આપી લાજ
વધાવો રે આવિયો
પાવલાંની પાશેર
(પીઠીનું ગીત)
પાવલાંની પાશેર લાડકડાંને હળદી ચડે છે
પાવલાંની પાશેર જીગરભાઈને પીઠી ચડે છે
અડધાની અધશેર લાડકડાંને હળદી ચડે છે
અડધાની અધશેર જીગરભાઈને પીઠી ચડે છે
રૂપૈયાની શેર રે જીયાવરને હળદી ચડે છે
રૂપૈયાની શેર રે જીયાવરને પીઠી ચડે છે
આણી અમારે ઘેર રે જીયાવરને હળદી ચડે છે
આણી અમારે ઘેર રે જીયાવરને પીઠી ચડે છે
વાટકડે ઘોળાય રે લાડકડાંને પીઠી ચડે છે
લાડકડાંને ચોળાય જીગરભાઈને પીઠી ચડે છે
No comments:
Post a Comment