લોકગીત







ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?

પોળ પછવાડે પરબડી ને વચ્ચમાં લેંબડાનું ઝાડ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?


વગડા વચ્ચે વેલડી ને વચ્ચમાં સરવર ઘાટ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?


ગામને પાદર ડોલી ડોલી ઢોલ વગાડે ઢગલો ઢોલી
કાજળ આંજી આંખલડી ને લહેરણિયું છે લાલ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?


નાકે નથડી ચરણે ઝાંઝર હૈયે હેમનો હાર
હાલો ત્યારે ધરણી ધમકે આંખે રૂપનો ભાર
પગ પરમાણે મોજલડી જાણે હંસી ચાલે ચાલ
ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?



નણદલ માગે લહેરિયું

મારા લહેરિયામાં લાગી લૂંટાલૂંટ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!


મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ!
મારી માતાની બાંધેલ લાંક હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!


ચારે ખૂણે ચાર ડાબલાં રે બાઈ!
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો.
નણદલ માગે લહેરિયું રે બાઈ!


શું રે કરું તારા ડાબલાં રે બાઈ!
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!


ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ!
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!


શું રે કરું તારાં બેડલાં રે બાઈ!
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!


સામી ઘોડાહારે ચાર ઘોડલાં રે બાઈ!
નણદી! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ!





કાનુડે કવરાવ્યાં

કાનુડે કવરાવ્યાં, ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...


સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યાં
રમતાંને રોવડાવ્યા રે
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...


ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાં
વણદોહ્યાં ને ધવરાવ્યાં રે
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...


શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યાં
ઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડાં
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...


પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારા
તમે જીત્યા ને અમે હાર્યાં રે
ગોકુળિયામાં કાનુડે કવરાવ્યાં...


 
આ જૂનાગઢમાં રે

આ જૂનાગઢમાં રે મોરલી વાગે છે, મોરલી વાગે છે
આ જૂનાગઢમાં રે મોરલી વાગે છે, મોરલી વાગે છે


જ્યાં ઊભો જશોદાનો લાલ
મોરલી વાગે છે, મોરલી વાગે છે


જ્યાં ઊભો જશોદાનો લાલ
મોરલી વાગે છે, મોરલી વાગે છે


એને બાંહે બાજુબંધ બેરખાં, એને બાંહે બાજુબંધ બેરખાં
એની દશે આંગળિયે વેઢ, મોરલી વાગે છે
એની દશે આંગળિયે વેઢ, મોરલી વાગે છે


એને કાને તે કુંડળ શોભતાં, એને કાને તે કુંડળ શોભતાં
એના કંઠે એકાવળ હાર, મોરલી વાગે છે
એના કંઠે એકાવળ હાર, મોરલી વાગે છે


આ જૂનાગઢમાં રે મોરલી વાગે છે, મોરલી વાગે છે
આ જૂનાગઢમાં રે મોરલી વાગે છે, મોરલી વાગે છે



રૂખડબાવા તું હળવો હળવો


રૂખડબાવા તું હળવો હળવો હાલ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો


જેમ ઝળૂંબે કંઈ ધરતી માથે આભ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો


જેમ ઝળૂંબે કંઈ કૂવાને માથે કોસ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો


જેમ ઝળૂંબે કંઈ મોરલી માથે નાગ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો


જેમ ઝળૂંબે કંઈ બેટાને માથે બાપ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો


રૂખડબાવા તું હળવો હળવો હાલ જો
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો

 




છેલ હલકે રે ઈંઢોણી
ચાર પાંચ સાહેલી પાણીડા જાય રે
એમાં વચલી સાહેલી ટબૂકડી
કાં તો એનો પતિ ઘર નહિ
કાં તો એને કઠોર મળી છે સાસુલડી


છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે


મારે ભરવાં સરવરિયાના નીર રે ઓલે
ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે


હેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે


સામા ઊભા સસરાજી મારા શું રે જુઓ છો
મારે જોવાં વહુવારું કેરા ગુણ રે ઓલે
ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે


છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે


સામા ઊભા પરણ્યાંજી મારા શું રે જુઓ છો
મારે જોવા ગોરાંદે તારા રૂપ રે ઓલે
ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
ઓલે ઓલે કાનુડે મુને બાણ માર્યાં છે
છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે


છેલ હલકે રે ઈંઢોણી માથે હેલ લેવી છે




વનમાં ચાંદલિયો ઊગ્યો રે


વનમાં ચાંદલિયો ઊગ્યો રે
કે રસિયા મને સૂરજ થઈ લાગ્યો


રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ઉતારા કરવાને કાજ રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
દાતણ કરવાને કાજ રે


રસિયા મોરા ઝારીયું લઉં સાથ રે
દાતણ કરવાને કાજ રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે


રસિયા મોરા સુખડી લેજો સાથ રે
ભોજન કરવાને કાજ રે
રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે




મારું વનરાવન છે રૂડું


એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું
એ નહિ આવું વાં નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું


બેસીને રેવું ને ટગ ટગ જોવું, બેસીને રેવું ને ટગ ટગ જોવું
નહિ ખાવું કે જો નહિ મારે રે પીવું


ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું
કે મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું


સરગના લોક તો છે અતિ કૂડાં, સરગના લોક તો છે અતિ કૂડાં
વાંથી વ્રજના ચોક મારે રૂડાં
ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું


એ રે વિશે બે જોડીયા હતાં જો, એ રે વિશે બે જોડીયા હતાં જો
એને સતવર મેલ્યા જો ને કાઢી
ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહિ રે આવું
એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહિ રે આવું


સરગથી જો ને સોહામણું
અમને માનવને મૃત્યલોક રે
પણ ઈમાં મોટી વાતું દોહ્યલી
વળી ઈમાં જરા- મરણ જોગ




મોરના પીંછડાંવાળો રે


મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો


મુગટ છે એનો રે રૂપાળો કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો


માથે મુગટ એણે પહેર્યું પીતાંબર
ગુંજાનો હાર રઢિયાળો રે કાનુડો ઓલ્યો
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો


ખંભે છે કામળી ને હાથમાં છે લાકડી
મીઠી મીઠી મોરલીવાળો રે કાનુડો ઓલ્યો
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો


નરસૈયાંના નાથને નજરે નિહાળતાં
આવે છે ઉરમાં ઉછાળો રે કાનુડો ઓલ્યો
મોરના પીંછડાંવાળો રે કાનુડો ઓલ્યો મોરના પીંછડાંવાળો
મોરના પીંછડાંવાળો

 



એક ગોકુળ મથુરા મારું ગામ છે


એક ગોકુળ મથુરા મારું ગામ છે રે લોલ
નાની વણઝારી મારું નામ છે રે લોલ
હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ
એ ચાલીને દેખાડું મારા નાથને રે લોલ


એ મેં તો લાખના કડલાં ઘડાવિયા રે લોલ
હીરલાં જડાવ્યા સવા લાખના રે લોલ
હું તો પહેરીને દેખાડું મારા નાથને રે લોલ
હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ


એ મેં તો લાખના ચુડલાં ઘડાવિયા રે લોલ
હીરલાં જડાવ્યા સવા લાખના રે લોલ
હું તો પહેરીને દેખાડું મારા નાથને રે લોલ
હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ


મેં તો નવરંગ ચુંદડી રંગાવી રે લોલ
ટીલડી જડાવી સવા લાખની રે લોલ
હું તો પહેરીને દેખાડું મારા નાથને રે લોલ
હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ


એક ગોકુળ મથુરા મારું ગામ છે રે લોલ
નાની વણઝારી મારું નામ છે રે લોલ
હું તો લટકે ચાલું ગોકુળ ગામમાં રે લોલ
એ ચાલીને દેખાડું મારા નાથને રે લોલ




મોરલી તે ચાલી રંગ રૂસણે રે
મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી
એને સસરો મનાવવા જાય રે રંગ મોરલી


સસરાની વાળી હું તો નહીં રે વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી


મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી
એને જેઠ મનાવવા જાય રે રંગ મોરલી


જેઠની વાળી હું તો નહીં રે વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી


મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી
એને પરણ્યો મનાવવા જાય રે રંગ મોરલી


પરણ્યાની વાળી હું તો ઝટ વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે સાસર જઈશ રંગ મોરલી


મોરલી તે ચાલી રંગ રૂસણે રે
મોરલી તે ચાલી રંગ રૂસણે રે




પાટણથી પટોળાં મોંઘાં લાવજો


છેલાજી રે
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે


રંગ રતુંબલ કોર કસુંબલ
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે


ઓલ્યા પાટણ શેરની રે મારે થાવું પદમણી નાર
ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધાર
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે


ઓલી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે
એને પહેરતાં પગમાં રે પાયલ છમછમતી રે
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો
છેલાજી રે




મારે ઘેર આવજે માવા
મારે ઘેર આવજે માવા કાલ સવારે ઢેબરું ખાવા


બાજરી કેરું ઢેબરું કરું ને તળતાં મૂકું તેલ
આથણું પાપડ કાચરી ને ઉપર દહીંનું દડબું છેલ


મારે ઘેર આવજે માવા કાલ સવારે ઢેબરું ખાવા


મારે આંગણ વાડિયું માવા ચોખલિયાળી ભાત
ઊનો ઊનો પોંક પાડું ને આપું સાકર સાથ


મારે ઘેર આવજે માવા કાલ સવારે ઢેબરું ખાવા


હરિ બંધાવું હીંચકો ને હીરલા દોરી હાથ
હળવે હળવે હીંચકો નાખું તમે પોઢો દીનાનાથ


મારે ઘેર આવજે માવા કાલ સવારે ઢેબરું ખાવા

 



લીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે
લીપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે
પગલીનો પાડનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં
દળણાં દળીને હું ઊભી રહી
કુલેરનો માગનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં
મહીડાં વલોવીને હું ઊભી રહી
માખણનો માગનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં
પાણીડાં ભરીને હું તો ઊભી રહી
છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં
રોટલાં ઘડીને હું તો ઊભી રહી
ચાનકીનો માગનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં
ધોળો ધફોયો મારો સાડલો રે
ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે
વાંઝિયાં મે'ણાં માતા દોહ્યલાં




સૈયર મેંદી લેશું રે
મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર
સૈયર મેંદી લેશું રે


મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ
સૈયર મેંદી લેશું રે


મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ
મેં ભોળીએ એમ જાણ્યું કે બેડલાં ફોડી મેલ
સૈયર મેંદી લેશું રે


મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ
મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ
સૈયર મેંદી લેશું રે


મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ
સૈયર મેંદી લેશું રે


મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર
સૈયર મેંદી લેશું રે




ચકી તારા ખેતરમાં
ચકી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો
ઝીંઝવે ચડીને જોઉં કોઈ માનવી આવે
લીલી ઘોડીનો અસવાર વીર મારો આવે
ઘુઘરીયાળી વેલમાં બેસી નાની વહુ આવે
ખોળામાં બાવલ બેટડો ધવડાવતી આવે
દૂધે ભરી તળાવડીમાં નવરાવતી આવે
ખોબલે ખારેક ટોપરાં ખવરાવતી આવે
થાળ ભર્યો શગ મોતીએ વધાવતી આવે
ઝીણી ભરડાવું લાપસી માંહી સાકર ભેળું
ખોબલે પીરસું ખાંડ વા'લો વીર જમાડું
ચકી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો

 



હમ્બો હમ્બો વિંછૂડો
અરરર માડી રે! છાણાં વીણવા ગઈ'તી રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો


મને ટચલીએ ટચકાવ્યો રે વિંછૂડો
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો


મારા સસરાજીને તેડાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો


મારા જેઠજીને તેડાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો


મારા પરણ્યાને તેડાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો


વિંછૂડાના ઝેર ઉતરાવો રે
મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો

 



 હું તો કાગળિયાં લખી લખી


હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી


આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી


હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી


આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવલિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી


હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી


આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઈ ભીંજાઈ જાય રે
કાનુડા તારા મનમાં નથી


હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી
 



તમે મારાં દેવનાં દીધેલ છો
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો


માદેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું ફૂલ
માદેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ


તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો
આવ્યાં ત્યારે અમર થઇને રો


માદેવ જાઉં ઉતાવળી ને જઈ ચડાવું હાર
પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર


તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો


હડમાન જાઉં ઉતાવળી ને જઈ ચડાવું તેલ
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર


તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો




સાહ્યબા સડક્યું બંધાવ


સાહ્યબા સડક્યું બંધાવ, વાગડ જાવું
વાગડ જાવું, મારે ભુજ શે'ર જાવું


વાગડ જાતાં મુને તડકા રે લાગે
સાહ્યબા ઝાડ રોપાવ, વાગડ જાવું


વાગડ જાવું, સાહ્યબા વાગડ જાવું


વાગડ જાતાં મુને તરસ્યું રે લાગે
સાહ્યબા વાવ્યું બંધાવ, વાગડ જાવું


વાગડ જાવું, સાહ્યબા વાગડ જાવું


વાગડ જાતાં મુને ભૂખલડી લાગે
સાહ્યબા કંદોઈ બેસાડ, વાગડ જાવું


વાગડ જાવું, સાહ્યબા વાગડ જાવું


વાગડ જાવું મારે ભુજ શે'ર જાવું
સાહ્યબા સડક્યું બંધાવ, વાગડ જાવું








No comments:

Post a Comment

Back to Top